શનિવાર, 23 મે, 2015

એ ભલે લાગે છે અક્ષર મોકલું છું,
ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું.

તું સ્વયમ ઝળહળ છે જાણું છું છતાંયે,
કોડિયું મારું આ થરથર મોકલું છું

થઈ ગયું મોડું પડ્યું જન્મોનું છેટું,
તો ય લાગે છે સમયસર મોકલું છું.

હાંસિયામાં ક્યાં લગી ઊભું રહે એ,
તેં કદી દોર્યું’તું એ ઘર મોકલું છું.

નામ, જાતિ, ધર્મ તો આ દેહને છે,
છે બધાથી પર એ ભીતર મોકલું છું.

તેં સતત ઝંખ્યો ને હું ઊજવી શક્યો ના,
એ જ હા, હા એ જ અવસર મોકલું છું.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગુરુવાર, 2 એપ્રિલ, 2015

જીતી જો જાવ તો ખુદના બધાં, પાછળ રહી જાય છે.
અગર હાર્યાં તમે, તો પોતીકા પાછળ મૂકી જાય છે.

સમયનો આ તકાજો પણ અરે, સોદો કરી જાય છે,
અનુભવ આપી સઘળી માસુમિયત એ લઈ જાય છે.

અજાયબ ને અકળ છે દોડ આ જીવન સંગ્રામે,
કપાતી રાત ના, ને વર્ષના વર્ષો વીતી જાય છે!

અમે વરદાન માંગ્યું, દુશ્મનોથી છૂટવાનું જ બસ,
થતું આશ્ચર્ય કે મિત્રો બધાં ઓછા થઈ જાય છે !

ન જાણે કોને માટે સ્વર્ગ, ઉપર તેં બનાવ્યું હશે.
કહેને કોણ ક્યાં ગુના વગર, અહીં જીવી જાય છે?

-દેવિકા ધ્રુવ

સોમવાર, 30 માર્ચ, 2015

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન,મને વેરાન વન દેજે.
સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.
જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં,મને એવાં નયન દેજે.
હું મુક્તિ કેરો ચાહક છું,મને બંધન નથી ગમતાં;
કમળ બિડાય તે પહેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.
સ્વમાની છું,કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
ખુદા યા!આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ મુજને એ નમન દેજે.