ગુરુવાર, 2 એપ્રિલ, 2015

જીતી જો જાવ તો ખુદના બધાં, પાછળ રહી જાય છે.
અગર હાર્યાં તમે, તો પોતીકા પાછળ મૂકી જાય છે.

સમયનો આ તકાજો પણ અરે, સોદો કરી જાય છે,
અનુભવ આપી સઘળી માસુમિયત એ લઈ જાય છે.

અજાયબ ને અકળ છે દોડ આ જીવન સંગ્રામે,
કપાતી રાત ના, ને વર્ષના વર્ષો વીતી જાય છે!

અમે વરદાન માંગ્યું, દુશ્મનોથી છૂટવાનું જ બસ,
થતું આશ્ચર્ય કે મિત્રો બધાં ઓછા થઈ જાય છે !

ન જાણે કોને માટે સ્વર્ગ, ઉપર તેં બનાવ્યું હશે.
કહેને કોણ ક્યાં ગુના વગર, અહીં જીવી જાય છે?

-દેવિકા ધ્રુવ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો